વિજય રૂપાણીએ શનિવારે અચાનક મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું તે ગુજરાતના રાજકારણીઓ જ નહીં પરંતુ પ્રજા માટે પણ સરપ્રાઈઝિંગ રહ્યું છે. જે રીતે સવારે સરદારધામના કાર્યક્રમમાં રૂપાણી સ્ટેજ પર હતા અને સંબોધન કરીને ડાયરેક્ટ રાજભવન પહોંચ્યા અને રાજીનામાંની જાહેરાત કરી તેનાથી બધા ચોંકી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી અને નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરએ રાજ્યના મુખ્યમંત્રીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીશું. ધારાસભ્યમાંથી જ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે.’
ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોણ હશે તેના પર સસ્પેસ યથાવત છે અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સુરક્ષાનાં ભાગ રૂપે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરવામાં આવી છે.
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસની લગભગ 20થી વધારે ગાડીઓ તૈનાત છે. રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે.
ગુજરાત ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યોની બેઠક ઝડપથી મળશે અને તેમાં વિધાનસભા પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે.