રાજ્યભરમાં ચકચાર જગાવનારા સ્વીટી પટેલ કેસના રહસ્યને ઉજાગર થઇ ગયું છે. કરજણથી 48 દિવસ પહેલા ગુમ થયેલી સ્વીટી પટેલ કેસમાં વડોદરા જિલ્લા પોલીસ કંઈ ઉકાળી શકી ન હતી. શરૃઆતથી જ માનીતા પીઆઈ દેસાઈને છાવરવામાં આવતો હતો. જેથી તા. 18 જુલાઈએ ગૃહમંત્રીએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપી હતી.
વડોદરા PI પત્ની ગુમ કેસમાં PI પતિ અજયે કબૂલ્યું, ‘પત્ની સ્વીટીને ગળે ટૂંપો દઈ મેં જ મારી નાખી, મિત્રની કારમાં લાશ લઈ જઈ સળગાવીને ફેંકી દીધી હતી’
પોલીસે જણાવ્યું હતું કે સ્વિટી પટેલ અને PI અજય દેસાઇએ વચ્ચે તે રાત્રે લગ્ન સંબધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ઉપર બેડરુમમાં મુકી દીધી હતી.
પી.આઈ. અજય દેસાઈએ ઝઘડો થવાથી સ્વિટી ક્યાંક ચાલી ગઈ હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ, પાપ છાપરે ચડીને પોકારે છે તેવા કુદરતી નિયમથી ચાર દિવસ પહેલા એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.
લાશને એક દિવસ ઘરના બેડરૂમમાં રાખ્યા પછી બીજા દિવસે 5 મી તારીખે પી.આઈ. દેસાઈએ હોટલ સંચાલક મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. કિરીટસિંહની દહેજ હાઈવે ઉપર અટાલી ગામના પાટિયા પાસે આવેલી બંધ હોટલના પાછળના ભાગે સ્વિટીની લાશને પૂઠા, કાગળ અને ઝાંખરાથી સળગાવી દેવાઈ હતી.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, અગાઉના લગ્નમાં છૂટાછેડા લઈ ચૂકેલા સ્વિટી પટેલ અને પી.આઈ. અજય દેસાઈ વર્ષ 2015થી સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધ બંધાયો હતો. આ પછી ઘણા સમયથી બન્ને લિવ-ઈનમાં રહેતા હતા.PI એ.એ દેસાઇએ 2016માં સ્વીટી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બંન્ને પત્નીઓને સાથે રાખી શકાય તેમ નહી હોવાથી આરોપી પતિએ સ્વીટીને ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશ કારમાં દહેજ પાસેની અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરૂ બિલ્ડિંગ ખાતે લઇ જવાઇ હતી.
શાતીર દિમાગ ધરાવતા પીઆઇ દેસાઇએ પોતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો જાહેર ના થાય તે માટે થ્રિલર મુવીની જેમ આખો પ્લાન ઘડયો હતો. જેમાં અજય દેસાઇએ તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને એમ કહયું હતું કે, મારી બહેન ગર્ભવતી થઈ ગઈ છે અને તે અપરણીત છે. જો સમાજમાં ખબર પડશે તો હોબાળો મચી જશે એટલે અમે ઘરના બધાએ ભેગા મળી તેને મારી નાખી છે. હવે તેના મૃતદેહનો નિકાલ કરવાનો છે. જેથી જાડેજાએ અજય દેસાઇને મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરવા તત્પરતા બતાવી હતી