ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.
ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં નવા મંત્રીમંડળમાં કોનું નામ હશે? અને કોનું પત્તું કપાશે તે મુદ્દે હજુ સસ્પેન્સ યથાવત છે. પરંતુ હા… ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં તમામ નવા ચહેરા હશે તે વાત જાણવા મળી રહી છે. આજે પણ શપથવિધિ પહેલા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે.
સવાર સવારમાં જે નેતાઓને ફોન ગયા છે, તેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રી બનવા માટે ફોન આવ્યો હોવાની વાત સામે આવી છે. તો બીજી બાજુ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મંત્રી બનવા માટેનો ફોન આવ્યો છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ ફોન આવ્યો. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને પણ મંત્રી બનવા માટેનો ફોન આવ્યો છે.