નવી સરકારના નવા મંત્રીમંડળની ટીમમાં કુંવરજી બાવળિયાની બાદબાકી કરાતા તેમના સમર્થનમાં વિંછીયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેમના હોમગ્રાઉન્ડ વિંછીયામાં આજે બંધ પાળવામાં આવ્યો હતો. વિંછીયાના સ્થાનિકો કુંવરજી બાવળિયાના સમર્થનમાં આવ્યાં હતાં અને વિવિધ વિસ્તારમાં બંધ પાળવામાં આવે તેવો પ્રયાસ કરાયો હતો.
ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઊભી થઈ છે, એ સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કુવરજી બાવળિયાએ આજે મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાત જૂની સરકારના ઘણાબધા સીનીયર મંત્રીઓને સ્થાન ન મળવાથી નારાજ છે. કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. ફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જશું. હાઈકમાન્ડ દ્વારા અપનાવવામાં આવેલી નો રિપીટ થિયરીને અમે આવકારી રહ્યા છીએ. “નો રિપીટ થિયરીને આવકાર, સૌરાષ્ટ્રમાં કોઈ વિરોધ કરશે નહીં”
ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.