થોડા દિવસ પહેલાની જ આ વાત છે. જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો. સાહેબને મળીને આ યુવાને કહ્યું, “સર, જૂનાગઢમાં જ માંગનાથ રોડ પર મારી કોલ્ડડ્રિન્કસની દુકાન છે. મિની લોકડાઉનને કારણે અત્યારે દુકાન બંધ છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ એ વિસ્તારના પીઆઇને કહીને મારી દુકાનને 2-4 કલાક માટે ખુલી રાખવાની મંજૂરી આપો.”
આવી માંગણી કરનાર યુવાન વેપારીને જાડેજા સાહેબ એ પૂછયું, ‘કેમ ભાઈ તારે દુકાન ખોલવી છે ?” પેલા માણસે પોતાની પાસે રહેલી ફાઇલ બતાવીને કહ્યું, ‘મારા પિતા બીમાર છે. વધુ સારવાર માટે એને રાજકોટ લઈ ગયા છીએ. સારવારમાં બધી બચત પૂરી થઈ ગઈ છે. પપ્પાની અમુક દવાઓ લેવાની છે પણ એ માટે પૂરતી રકમ નથી. જો મને દુકાન ખોલવાની મંજૂરી આપો તો થોડી કમાણી થાય અને પપ્પાની દવા લઇ શકું.’
કડક ખાખી વરદીની પાછળ રહેલું સંવેદનશીલ હૃદય એ યુવાનની પીડા સમજી શકતું હતું. એમણે પેલા યુવાનને કહ્યું, “જો ભાઈ હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તને એકને દુકાન ખોલવાની મંજૂરી આપું તો બાકીના વેપારીઓને અન્યાય થાય. અત્યારે આપણા જૂનાગઢમાં જાહેરનામું અમલમાં છે જે મુજબ જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની વસ્તુ કે સેવા આપતી દુકાન ખુલી ન રાખી શકાય એટલે તને દુકાન ખોલવાની મંજૂરી તો ન આપી શકાય પણ આપણે વચ્ચેનો કોઈ રસ્તો કાઢીએ જેનાથી નિયમનું પાલન પણ થાય અને તમારું કામ પણ થાય.’
યુવાનને થયું કે સાહેબ વચ્ચેનો શુ રસ્તો કાઢશે ? જાડેજા સાહેબે એ યુવાનને પુછ્યું, ‘દવાઓ લેવા માટે કેટલી રકમની જરૂર છે ?’ પેલા યુવાને જેટલી જરૂર હતી એ રકમ કહી એટલે સાહેબે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને દવા માટે જરૂરી રકમ કાઢી યુવકના હાથમાં મૂકી દીધી.
વેપારીને પણ રકમ સ્વીકારવામાં હીંચકિચાટ થતો હતો. સાહેબે કહ્યું, ‘લઇ લે ભાઈ, અત્યારે તારે જરૂર છે. સરકાર મને ઘણો પગાર આપે છે. છતાં તને એવું લાગતું હોય તો તારી પાસે જ્યારે વધુ રકમ ભેગી થાય તે દિવસે પાછા આપી જજે.’ પેલો યુવાન એક પોલીસ અધિકારીના સંવેદનશીલ હૈયામાંથી વહેતી માનવતાના ઝરણામાં તરબોળ થઈને રકમ લઇ જતો રહ્યો.
ગયા વર્ષે લોકડાઉનમાં પણ અમુક રિક્ષાવાળાઓએ જાડેજા સાહેબને મળીને પોતાની વ્યથા રજુ કરી ત્યારે સાહેબે એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરીને 60થી વધુ રિક્ષાવાળાઓને બે વખત ઘરવખરીની તમામ કીટ અપાવી હતી.
સાહેબ આપની સંવેદનાને સો સો સલામ.
સૌ: શૈલેશ સગપરીયા સાહેબ