ગુજરાત સરકારે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન અને SOP અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર સીએમની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે
ગુજરાત સરકારે ૩૦મી ઓગસ્ટના સોમવારે જન્માષ્ટમી નિમિત્તે લોકો ૧૨ વાગે મંદિરમાં જઈ દર્શન કરી શકે તે માટે એ દિવસ પૂરતો રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રે ૧૧ વાગ્યાને બદલે રાત્રે ૧ વાગ્યે કરફ્યૂ લગાવવાનું નક્કી કર્યું છે. એવી જ રીતે ૯થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવ પર્વ હોઈ આ દિવસોમાં પણ કરફ્યૂ ૧૧ વાગ્યાથી લગાવવાને બદલે ૧૨ વાગ્યાથી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે.
મંદિર પ્રાંગણમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે. મુખ્યમંત્ર વિજય રૂપાણીીએ ગણેશોત્સવનું પર્વ આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.
જન્માષ્ટમી માટેની ગાઈડલાઈન: 30 ઓગસ્ટે 1 દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી અમલી બનશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ. ત્યારપછી બીજા લોકોને જવા દેવામાં આવશે. કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડલાઈનનું પાલન ફરજિયાત. ગોળ કુંડાળા-સર્કલ કરી તેમાં ઊભા રહી દર્શન કરવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતી શોભાયાત્રા 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર કાઢી શકાશે. જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ ઉત્સવને પરવાનગી અપાશે નહીં. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે.
ગણેશોત્સવ માટેની ગાઈડલાઈન: સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી. ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમા સ્થાપી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની જ છૂટ. રાજ્યનાં 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો અમલ 12 વાગ્યાથી. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકો અને એક વાહનને મંજૂરી.