હાલ સમગ્ર ગુજરાતમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ પડી રહ્યો છે. ગત સીઝન કરતા આ વખતે વરસાદનું સંતુલન થોડું અસ્તવ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે.
30 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદી વહન સક્રિય થતા તેની અસર મધ્યપ્રદેશમાં થતા ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, તેમ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે ઉત્તર અને મધ્યગુજરાતમાં પણ થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની જમાવટ થઈ છે.
ચાલુ વર્ષે ચોમાસામાં થોડા વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ છે. છેલ્લા સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં રાજ્યના તમામ તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. શનિવારથી સતત વરસાદ ચાલુ રહેતા છેલ્લા 48 કલાકમાં જ સિઝનના કુલ વરસાદમાં 6.66 ટકાનો વધારો થયો છે.